---Advertisement---

Junagadh News: જૂનાગઢના લાલઢોરી ઉદ્યાનમાં વિલુપ્ત ફળ, વૃક્ષો અને ઔષધીય વનસ્પતિનો ખજાનો

Junagadh News
---Advertisement---

Junagadh News:  જૂનાગઢની ભવનાથ તળેટીમાં 12.66 હેક્ટર વિસ્તારમાં આવેલા લાલઢોરી ઉદ્યાનમાં અનેક પ્રકારના ફળ, વિલુપ્તીના આરે આવીને હવે જવલ્લે જ જોવા મળતાં વૃક્ષો અને ઔષધીય તેમજ સુગંધિત દ્રવ્યો ધરાવતી અવનવી વનસ્પતિનો ખજાનો આવેલો છે. અહીં સાગ, ચંદન અને ઇમારતી વૃક્ષો સહિત એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે.

લુપ્ત થતી વનસ્પતિનો ખજાનો 

ભવનાથ તળેટીમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 1966-67માં જનીન વિદ્યા અને પાક સંવર્ધન માટે લાલઢોરી વનસ્પતિ ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી હતી. લાલઢોરી ઉદ્યાનમાં નામશેષ થવાના આરે હોય તેવા અનેક વૃક્ષો, ઔષધીય અને સુગંધિત દ્રવ્યોની અનેક વનસ્પતિઓનો ખજાનો આવેલો છે. આ સ્થળ પર નવા પાક અને વનસ્પતિઓનું સંશોધન પણ કરવામાં આવે છે. ઘઉંના પાકમાં ગેરુના અભ્યાસના અખતરા કે જે તારણ માટે મહાબળેશ્વર જેવા પર્વતીય વિસ્તારમાં જવું પડે તેના બદલે લાલઢોરીનું વાતાવરણ ઘઉંના પાકમાં ગેરુના અભ્યાસના અખતરા માટે સૌથી સારું હોવાનું પણ તારણ મળ્યું છે. 

સમગ્ર વિસ્તારમાં અલગ અલગ વિભાગોમાં વૃક્ષો, ફળ, વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. 12.6 હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે. તેમાં લંગડો, કેસર, દૂધ, પૈડો, લાડવી, જમાદાર, નીલમ પાયરી, બાદશાહ પસંદ, અસાઢીયો, ખોડી, સિંદુરીયો ઉપરાંત દેશી કેરીની વિવિધ જાતોનો પણ સમાવેશ થાય છે અને જર્મ પ્લાઝમ કલેક્શન આંબાની પણ વૈજ્ઞાનિક ઢબે જાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત એગ્રો ફોરેસ્ટ્રીનો બ્લોક તૈયાર કરવામાં આવેલ છે. તેમાં સાગ, સીસમ, સવન, ચંદન, અર્જુન સહિતના વૃક્ષોની વનસ્પતિનું વાવેતર કરાયું છે. આંબલી, બદામ, રુક્ષમણી, ગુલાબ, ચંપો, રાતરાણી, કેવડો, વસંત, મોગરા સહિતના ફળ-ફૂલોના વૃક્ષ છોડ આવેલા છે. ચંદનના ઝાડ સહેલાઈથી સ્થાપિત થતા નથી પરંતુ આ વિસ્તારમાં ચંદનના ઝાડની પણ જાળવણી કરવામાં આવે છે. સિલ્વર ઓક ઇમારતી લાકડું ઉપરાંત સૌથી મોંઘુ ગણાતા સાગના વૃક્ષનો ઉછેર કરાયો છે. તેની હાલ 30 ફૂટથી પણ વધુ ઊંચાઈ થઈ છે. તજ, લવિંગ, એલચી, એલચો, રાઇસ પ્લાન્ટ સુગંધિત દ્રવ્યો ધરાવતી વનસ્પતિઓનો અભ્યાસ કરી વાવેતર કરવામાં આવ્યું છે. 

વૃક્ષો ઉપરાંત તુવેર, ગ્લેરી, સીડીયા, કેશીયાનું વાવેતર કરાયું છે. ઔષધીય પાકો તથા વનસ્પતિઓની વેલીઓ આવેલી છે. આ વિસ્તારમાં કોકમ, કાજુ, લીચી, લીંબુની જુદી જુદી જાતો, સોપારી, શેતૂર, અરીઠીની મોટા ફળવાળી જાત, સફરજન ઉપરાંત શિવલિંગ, કરેણ, ઈકઝેરા, ચંપા, લેજસ્ટ્રોમિયા, જાસ્મિનોઈડ, પેડો કાયરસ, ટબેબીયા, લાલ ચંદન, કેલીયેન્ડ્રા હાઇબ્રીડ, યુફોરબીયા, કપ સોસર, ક્રોટોન, ડ્યુરિનટા, છોડની વિવિધ જાતોનો ઉછેર કરવામાં આવ્યો છે. ઢોરીના ઉપરના ભાગે લુપ્ત થતી આંબાની જાત(કાવસજી), ધેધુર ધેરાવો ધરાવતો રેઈનડ્ડી, પીળોશિયળો, કેરીયાનું વિવિધ વાવેતર ઉપરાંત   ડોંબીયા, આલામાનડા, ચાઈનીઝ યોઈન છાયો આપતી વનસ્પતિઓ અને લુપ્ત થતા રૂખડા વૃક્ષનું વાવેતર કરાયું છે. 

આ ઉપરાંત પારીજાત, હાડસાકર, બ્રાહ્મી, સંખપુષ્પી, સતાવરી, નીલેસીયા, કાંચનાર, હરડે, બેડા સહિત સમગ્ર વિસ્તારમાં 150 વનસ્પતિઓની વિવિધ જાતોનું વાવેતર કરાયું છે

સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે જડીબુટ્ટી સમાન વિસ્તાર

આ વિસ્તારમાં રહેલા વૃક્ષો અને વનસ્પતિઓના કારણે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરવા તથા સંશોધન કરવા માટે દર વર્ષે શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ આવે છે. અવનવા સંશોધન માટે વિશાળ વિસ્તાર હોવાથી પર્યાવરણ વિશેષજ્ઞ અને વિદ્યાર્થીઓ માટે આ વિસ્તાર જડીબુટ્ટી સમાન બન્યો છે.

માટી લાલ રંગની હોવાથી લાલઢોરી નામ રખાયું

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં લાલઢોરી વિસ્તારમાં માટી લાલ રંગની હોવાથી લાલઢોરી નામ રાખવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પ્રવેશ માટે કૃષિ યુનિવર્સિટીની મંજૂરી આવશ્યક છે. વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લે છે અને વન ભોજન માણી અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો મેળવે છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment