2025માં ગુજરાતમાં ચોમાસુ પ્રવેશશે: આજે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશી શકે છે! IMD એ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનની સંપૂર્ણ અપડેટ અને અસરગ્રસ્ત વિસ્તારો તપાસો.
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાની તૈયારીમાં છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગઇકાલે વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. તેમણે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ વ્યક્ત કરતા ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનું જોર વધશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત, ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ તેમણે દર્શાવી છે.
હવામાન વિભાગે ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પણ વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના મતે, બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. પ્રથમ લો પ્રેશર 18મી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ 22મી જૂને બનવાની સંભાવના છે. આ લો પ્રેશર સિસ્ટમ્સની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.
આ લો પ્રેશર સિસ્ટમ્સની અસર હેઠળ, અંબાલાલ પટેલે 26 થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, તેમણે એક મહત્વની નોંધ પણ લીધી હતી કે, જો આ અરસામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે.